વન્યજીવો માનવ વસવાટના વિસ્તારોમાં આવી રહ્યા છે કે પછી માણસો જંગલોનો નાશ કરીને પ્રકૃતિ પર અતિક્રમણ કરી રહ્યા છે? કેરળમાં હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે અહીં રહેણાક વિસ્તારોમાં વાઘના હુમલાઓ સતત વધી રહ્યા છે. પાંચ જિલ્લાઓ- વાયનાડ, ઇડુક્કી, પલક્કડ, પથાનમથિટ્ટા અને તિરુવનંતપુરમના લોકો માનવભક્ષી વાઘોની હત્યાની માંગ સાથે દિનપ્રતિદિન વિરોધ કરી રહ્યા છે. રાજ્યમાં દેખાવો-ચક્કાજામ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા બની રહી છે.
બીજી તરફ 2006થી 2018 દરમિયાન વાઘની સંખ્યા 46થી વધીને 190 થઈ છે. વાઘોની વસ્તીમાં ચાર ગણો વધારો થતાં અવારનવાર વાઘ રહેણાક વિસ્તારોમાં ઘૂસી આવતાં હુમલાની ઘટનાઓ પણ વધતી જઇ રહી છે. 2020-21માં પ્રાણીઓના હુમલાની 97 ઘટનાઓ બની હતી, જ્યારે 2021-22માં આ સંખ્યા વધીને 152 થઈ હતી. 2017થી 2022 સુધીમાં 637 લોકો માર્યા ગયા છે.
ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 79 વાઘના હુમલા નોંધાયા જ્યારે હાથીઓના 53 હુમલાઓ થઇ ચૂક્યા છે. કુલ 132 હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે. તાજેતરમાં વાયનાડમાં વાઘના હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. સ્થાનિકોનો આરોપ છે કે સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી.