અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવશ્યક્ હોંગકોંગ કન્વેન્શન (એચકેસી) મુજબની સવલતો મોટાભાગના પ્લોટમાં ઉપલબ્ધ છે, છતા યુરોપીયન યુનિયન (ઇ.યુ.) માન્યતા આપવા માટે વિલંબ કરી રહ્યુ છે.
સમયાંતરે શિપ બ્રેકિંગની પધ્ધતિઓમાં પર્યાવરણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તબદીલીઓ કરવામાં આવી રહી છે. શિપબ્રેકિંગ ક્ષેત્રે હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબની સવલતો અલંગમાં મોટાભાગના શિપ બ્રેકિંગ પ્લોટમાં મોજુદ છે. કરોડો રૂપિયાના ખર્ચે પ્લોટ અપગ્રેડ કરાવવામાં આવ્યા છે.
યુરોપીયન યુનિયન દ્વારા તૂર્કિના અલિયાગા શિપબ્રેકિંગ યાર્ડને માન્યતા આપવામાં આવેલી છે, ત્યાં પણ બીચિંગ પધ્ધતિથી જ શિપબ્રેકિંગ થાય છે, અને ત્યાંની સવલતો, નિયમો, પર્યાવરણની જાળવણી અલંગની સરખામણીએ ઉતરતી કક્ષાની છે. અન્ય જહાજોની સરખામણીએ ઇ.યુ. દ્વારા ફાળવવામાં આવતા જહાજોના ભાવ સસ્તા હોય છે.
અલંગમાં ઇ.યુ.ની માન્યતા માટે લાંબા સમયથી રાહ જોવડાવવામાં આવી રહી છે, પરંતુ નધણીયાત હાલતમાં ગરકાવ અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને ઇ.યુ.ની માન્યતા મળવાની કાગડોળે રાહ છે. ઇ.યુ. દ્વારા ટ્રોમા સેન્ટર, જોખમી કચરાના સંચાલનનું અપગ્રેડેશન જેવી બાબતોને આગળ ધરવામાં આવી છે. આ તમામ બાબતો સંબંધિત સરકારો દ્વારા પરિપૂર્ણ કરવાની રહે છે, પરંતુ હજુ સુધી પૂર્તતા કરવામાં આવી નહીં હોવાથી ઇ.યુ. દ્વારા માન્યતા આપવામાં વિલંબ સર્જાય રહ્યો છે.