બાંગ્લાદેશમાં 2 ઑક્ટોબરે શુભો મહાલયાની સાથે બંગાળી હિન્દુઓનો સૌથી મોટો ધાર્મિક તહેવાર દુર્ગાપૂજા શરૂ થઇ ચૂક્યો છે. પરંતુ મહાલયાની રાતમાં અનેક સ્થળો પર માતા દુર્ગાની મૂર્તિઓની સાથે તોડફોડે આ વર્ષે દુર્ગાપૂજા મહોત્સવને ચિંતાજનક બનાવ્યો છે.
સુરક્ષા ચિંતાઓને કારણે આ વર્ષે તહેવારમાં માહોલ ફિક્કો છે. બાંગ્લાદેશ પૂજા સમારોહ સમિતિ અનુસાર ગત વર્ષે 32,408 મંડપોમાં દુર્ગાપૂજાનું આયોજન કરાયું હતું પરંતુ આ વખતનો કોઇ આંકડો રજૂ કરાયો નથી.
આ વખતે કેટલી મંડપ પૂજા આયોજિત થશે? તે સવાલના જવાબમાં બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના કાર્યવાહક મહાસચિવ મનિન્દ્ર કુમાર નાથે કહ્યું કે ચટગાંવ, ખુલના અને ઢાકામાં અનેક સ્થળો પર દુર્ગાપૂજા મંડપનું આયોજન કરવામાં આવ્યું નથી.
તેમણે કહ્યું કે હું પુષ્ટિ કરું છું કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 1,000થી પણ ઓછા પૂજા મંડપ છે. કારણ પૂછવા પર તેમણે કહ્યું કે 10-12 સ્થળો પર પ્રતિમા સાથે તોડફોડની ઘટનાઓ સામે આવી છે પરંતુ આરોપીઓને સજા અપાવવામાં સરકાર નિરુત્સાહી છે.
બાંગ્લાદેશ પૂજા ઉત્સવ પરિષદે સુરક્ષા વ્યવસ્થાનો મોરચો સંભાળ્યો સુરક્ષા ચિંતા છતાં ઢાકામાં દુર્ગાના નવા સ્વરૂપનું સ્વાગત કરવા માટે તૈયાર રમનાસ્થિત કાલી મંદિરથી લઇને ઢાકેશ્વરી રાષ્ટ્રીય મંદિર, રાજરબાગ કાલીમંદિર, રામકૃષ્ણ મિશન અને સિદ્ધેશ્વરી કાલીમંદિરમાં સજાવટનું કામ ચાલી રહ્યું છે. બાંગ્લાદેશ પૂજા ઉત્સવ પરિષદે આ વર્ષે પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. પૂજા ઉત્સવ પરિષદના અધ્યક્ષ વાસુદેવ ઘરે જણાવ્યું કે પૂજાની તૈયારી શરૂ થઇ ચૂકી છે. મૂર્તિઓની બનાવટ અને સજાવટની સાથે જ પૂજા સ્થળની સુરક્ષાને લઇને પણ કામ ચાલી રહ્યું છે. વિશેષ પરિસ્થિતિમાં દેશભરમાં પૂજા આયોજકોને મંદિર અને મંડપથી લઇને પોતાની સુરક્ષાની તૈયારી કરવાનો પણ નિર્દેશ અપાયો છે.