2022 માં યુદ્ધની શરૂઆતથી યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેને 34 ડ્રોન વડે મોસ્કોને નિશાન બનાવ્યું છે. આ હુમલાને કારણે મોસ્કોના ત્રણ મોટા એરપોર્ટ પરથી ઘણી ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, જોકે એક વ્યક્તિ ઘાયલ થયો છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ આ હુમલાને લઈને નિવેદન જાહેર કર્યું છે. મંત્રાલયે કહ્યું કે તેણે 34 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે અને હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. રશિયાએ યુક્રેનના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને જવાબી કાર્યવાહી કરવાની વાત કરી છે.
યુક્રેને રશિયાના કેમિકલ પ્લાન્ટ પર પણ હુમલો કર્યો હતો યુક્રેને શનિવારે દાવો કર્યો હતો કે તેણે શુક્રવારે મોડી રાત્રે રશિયાના પશ્ચિમી શહેર તુલામાં એક કેમિકલ પ્લાન્ટને નિશાન બનાવ્યું હતું. યુક્રેનના સ્પેશિયલ ઓપરેશન ફોર્સ એસબીયુએ કહ્યું કે તેણે હુમલામાં 13 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. હુમલા બાદ કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો અને ધુમાડાના વાદળો ફેલાઈ ગયા હતા.