ઓનલાઇન છેતરપિંડી આચરતા શખ્સો અવનવા ખેલ પાડીને છેતરપિંડી આચરતા હોય છે. રાજકોટના યુવકને ઓનલાઇન ટાસ્કમાં મોટી કમાણીની લાલચ આપી યુવકને શરૂઆતમાં થોડી રકમ રિફંડ પેટે આપી રૂ.50.89 લાખ ખંખેરી લીધા હતા.
મોરબી રોડ પરની રાજલક્ષ્મી એવન્યુ સોસાયટીમાં રહેતા જયમીન ચમનભાઇ પરસાણા (ઉ.વ.30)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જયમીન પરસાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી સોશિયલ મીડિયામાં મેસેજ આવ્યો હતો અને તેમાં મેસેજ કરનાર શખ્સે પોતાની ઓળખ ગૂગલમાંથી વાત કરતા હોવાનું કહી સાઇડ ઇન્કમ મેળવવા માગતા હોય તો ટાસ્ક મુજબ કામ કરવાથી કમાણી થશે તેમ કહ્યું હતું. જયમીનને ઓફર આકર્ષક લાગતા તેણે ઇચ્છા વ્યક્ત કરતા તે શખ્સે એક લિંક મોકલી હતી. લિંક ઓપન કરતા એક રિવ્યૂનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. જે પૂરો કરતા જયમીનને એક રિવ્યૂના 50 મળી 3 રિવ્યૂના 150 આપવામાં આવ્યા હતા. બાદમાં મોટા ટાસ્ક માટે રકમ જમા કરાવવાનું કહેતા જયમીને રૂ.1 હજાર ટ્રાન્સફર કરતા તેને લિંક મોકલવામાં આવી હતી અને રૂ.1 હજારના બદલામાં રૂ.1500 રિફંડ અપાયું હતું.