બ્રિટનમાં વડાંપ્રધાન લિઝ ટ્રસ પદ સંભાળ્યાનાં ત્રણ સપ્તાહ બાદ જ આર્થિક મોરચે હાંફતા પરાજિત થતાં દેખાઈ રહ્યાં છે. ટ્રસ સરકારનું મિની બજેટ મોંઘવારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ટ્રસ પોતાની જ પાર્ટીના સાંસદોના વિરોધનો સામનો કરી રહ્યાં છે.
અનેક સાંસદોએ અલ્ટિમેટમ આપ્યું છે કે નાણામંત્રી ક્વાસી ક્વારટેંગને નહીં હટાવે તો પીએમએ બળવાનો સામનો કરવો પડશે. બ્રિટિશ સંસદનું સત્ર 11 ઓક્ટોબરથી શરૂ થશે. બેકાબૂ મોંઘવારીને લીધે સોશિયલ મીડિયા પર લોકો પૂર્વ નાણામંત્રી અને ભારતવંશી સાંસદ ઋષિ સુનક કમ બેકના વીડિયો શેર કરી રહ્યા છે. લોકોમાં સૌથી વધુ એ વાતનો ગુસ્સો છે કે પીએમની રેસમાં ડીબેટમાં સુનકે ટ્રસની આર્થિક નીતિઓને લઈને જે આશંકાઓ વ્યક્ત કરી હતી તે સાચી ઠરી રહી છે.
ઋષિ નીતિ: વેઈટ એન્ડ વૉચ, પાર્ટીની બેઠકથી અળગા
પીએમ પદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીમાં મેમ્બરોના મતદાનમાં હારનારા ઋષિ સુનક હાલ વેટ એન્ડ વૉચની નીતિ અપનાવી રહ્યા છે. સુનકે ઓક્ટોબરમાં યોજાનાર કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક બેઠકમાં સામેલ થવાનો ઈનકાર કર્યો છે. સુનકે જાહેરમાં નિવેદન આપવાનું બંધ કર્યું છે. તેમણે છેલ્લી ટિ્વટ પણ 8 સપ્ટેમ્બરે કરી હતી. એવું મનાય છે કે સુનક સમર્થકો સાથે રણનીતિ ઘડી રહ્યા છે. કેમ કે સુનક પાસે ટ્રસથી વધુ સાંસદોનું સમર્થન છે. સાંસદોના ફાઈનલ વોટિંગમાં સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના 137 જ્યારે ટ્રસને 113 સાંસદોના વોટ મળ્યા હતા.
સુનકની આશંકાઓ જે હવે સાચી સાબિત થઈ રહી છે
ટેક્સમાં કાપ અને સેન્ટ્રલ બેન્કથી લોન લેવાની ટ્રસની નીતિ એટલે કે ટ્રસોનોમિક્સ પરીકથા સમાન છે.
પરિણામ: મિની બજેટમાં ટ્રસ સરકારે ટેક્સમાં કાપ મૂક્યો પણ મિડલ ક્લાસને 19% જોકે ધનિકોને 45% સુધીની છૂટ આપી.