ગુરુવારે ભારતીય શેરબજારમાં શરૂઆત સાધારણ બે-તરફી વધઘટ સાથે ઘટાડો જોવાયો બાદ નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સ્થાનિક સ્તરે ફુગાવાના ડેટાના કારણે વ્યાજના દરો વધુ ઘટવાની શક્યતા સાથે રોકાણકારો હવે ધીમા ધોરણે ખરીદી વધારી રહ્યા છે. અમેરિકામાં ફુગાવાની ચિંતા, ત્રીજા ક્વાર્ટરના નિરાશાજનક પરિણામો, યુએસ ટેરિફ તણાવમાં વધારો અને સતત FII આઉટફ્લો વચ્ચે બેન્ચમાર્ક સતત છ સેશનથી ઘટાડા તરફી રહ્યા હતા. શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થયા છતાં સાવચેતીમાં ઘણા શેરોમાં રિટેલ ઈન્વેસ્ટરો વેચવાલ રહેતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી હતી.
વૈશ્વિક પરિબળો સાથે ઘર આંગણે કંપનીઓના નબળા પરિણામો વચ્ચે સ્મોલ, મિડ કેપ શેરોના વેલ્યુએશન મામલે પણ નિષ્ણાંતો સવાલ ઉઠાવવા લાગતાં આજે સતત બીજા દિવસે પણ શેરોમાં ધબડકો બોલાઈ જતાં બે દિવસમાં રોકાણકારોની સંપતિનું રૂ.15.41 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. પાંચ દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે સંપત્તિમાં રૂ.16.97 લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે શરૂઆત સાધારણ બે-તરફી વધઘટ સાથે થયા બાદ ખાસ ઘટાડો જોવાયો નહોતો. પરંતુ રિઝર્વ બેંકના ફોરેક્સ માર્કેટમાં રૂપિયાનું પતન અટકાવવા મેગા ઓપરેશનના અહેવાલ વચ્ચે છેલ્લા કલાકોમાં એકાએક સેન્સેક્સ, નિફટી બેઝડ પેનીક સેલિંગ થયું હતું. રિઝર્વ બેંકના જંગી ડોલર વેચાણ સામે તેજીમાં રહેલા ખેલાડીઓની પણ ડોલરમાં પેનીક વેચવાલી નીકળી હોવાનું અને આ વર્ગ નુકશાની કવર કરવા શેરોમાં મોટાપાયે વેચવાલ બન્યો હોવાની ચર્ચા હતી. બીજી તરફ કાચામાલની મોટી આયાત પર નિર્ભર કંપનીઓએ ડોલરોની મોટી ખરીદી કર્યાની અને સામે ફંડોએ કંપનીઓની આયાત મોંઘી બનતાં કામગીરી કથળવાની ધારણા વચ્ચે શેરોમાં મોટું સેલિંગ કર્યું હતું.