દક્ષિણ કોરિયન સંસ્કૃતિએ છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વને ઘણું બધું આપ્યું છે, જેમાં ‘બીટીએસ’ જેવા લોકપ્રિય બેન્ડ અને ‘પેરાસાઇટ’ અને ‘સ્ક્વિડ ગેમ’ જેવા મનોરંજનના ઉત્તમ ઉદાહરણ સામેલ છે. હવે દક્ષિણ કોરિયામાંથી બીજો નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે - ‘કે-હીલિંગ’. આ નવો ટ્રેન્ડ માનસિક થાક (બર્નઆઉટ)ને દૂર કરવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને પુસ્તકો દ્વારા.
લેખિકા હ્વાંગ બો-રૂમનું કહેવું છે કે તે વાચકોને સંદેશ આપવા માગે છે કે જીવનની ખુશીઓ પાછી મેળવવા માટે ધીમે ધીમે આગળ વધવું જરૂરી છે. મોટા ભાગના પુસ્તકો થાક અને નિરાશા સામે લડતી વખતે જીવનની ગતિ ધીમી પાડવાનો સંદેશ આપે છે. કોઈપણ કાર્યમાં ઉતાવળ કરવાની જરૂર નથી. તાજેતરમાં અમેરિકા અને બ્રિટનમાં પ્રકાશિત પુસ્તક ‘મેરીગોલ્ડ માઇન્ડ લોન્ડ્રી’ આ ‘હીલિંગ’ સાહિત્યનો એક ભાગ છે. આ પુસ્તકમાં શાંતિ અને સુલેહનો સંદેશ ઝળકે છે, જે તેના કવરથી લઈને અંદરના પૃષ્ઠો સુધી અનુભવી શકાય છે. મોટાભાગના પુસ્તકોના કવર એક સુંદર અને શાંતિપૂર્ણ સ્થળનું ચિત્રણ હોય છે, જેમ કે કોઈ પુસ્તકાલય અથવા કાફે, જ્યાં લોકો જીવનની ધમાલથી દૂર માનસિક શાંતિ શોધે છે.