ભારતમાં હાઈડ્રોજનથી ઊડતાં વિશ્વના પ્રથમ અને સૌથી મોટાં ડ્રોન તૈયાર થઈ ગયાં છે. તેલંગાણાની કંપની બ્લૂ જે એરોએ આ ડ્રોન બનાવ્યા છે. તેનું નામ ‘બ્લ્યૂ જે રીચ’ છે. આ 100 કિલો વજન ઉઠાવીને એક વારમાં 300 કિમી ઊડી શકે છે. આટલું અંતર માત્ર 30 મિનિટમાં પૂરું કરે છે. એ જાન્યુઆરી, 2050માં બજારમાં આવશે. આ કંપનીએ બ્લૂઝ હોપ નામનું અન્ય એક ડ્રોન બનાવ્યું છે, જે ટૅક્સીનું કામ કરશે. એ પણ હાઈડ્રોજનથી ચાલે છે અને મુંબઈથી પૂણે (148 કિમી)નું અંતર માત્ર અડધા કલાકમાં કાપશે. અત્યારે સડક માર્ગે 3થી 4 કલાક થાય છે. આ કંપની 2025 સુધીમાં દેશનું પ્રથમ 10 સીટર હાઇડ્રોજન-ઇલેક્ટ્રિક યાત્રી વિમાન બનાવશે. તેની રેન્જ એક વારમાં 1 હજાર કિમીની હશે.
આ અત્યાધુનિક ડ્રોન્સનું પ્રદર્શન આંધ્ર પ્રદેશના પાટનગર અમરાવતીમાં યોજાયેલી ડ્રોન સમિટમાં થયું હતું. અહીં 300 કંપનીઓનાં ડ્રોન આવ્યાં હતાં. આંધ્રના કુર્નુલ જિલ્લામાં 300 એકરમાં દેશની પહેલી ડ્રોન સિટી બનશે. અહીં માત્ર ડ્રોનનું નિર્માણ અને તેના એસેમ્બલિંગનું કામ થશે.