ટાટા ગ્રુપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ ભારતમાં તાઈવાનના કોન્ટ્રાક્ટ ઉત્પાદક પેગાટ્રોનના એકમાત્ર આઈફોન પ્લાન્ટમાં બહુમતી હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે. પેગાટ્રોનનો આ પ્લાન્ટ તમિલનાડુમાં છે. આ એક નવું સંયુક્ત સાહસ બનાવશે, જે એપલ સપ્લાયર તરીકે ટાટાની સ્થિતિને મજબૂત બનાવશે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, બંને કંપનીઓ વચ્ચેની આ ડીલની જાહેરાત ગયા અઠવાડિયે આંતરિક રીતે કરવામાં આવી હતી. આ ડીલ હેઠળ ટાટા 60% હિસ્સો ધરાવશે અને સંયુક્ત સાહસ હેઠળના દૈનિક કામગીરીનું ધ્યાન રાખશે. પેગાટ્રોન બાકીનો હિસ્સો રાખશે અને ટેક્નિકલ સપોર્ટ આપશે.
સોદાની નાણાકીય વિગતો વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી જાણીતી નથી. અગાઉ, રોઇટર્સે એપ્રિલમાં અહેવાલ આપ્યો હતો કે પેગાટ્રોન ભારતમાં તેનો એકમાત્ર આઇફોન પ્લાન્ટ ટાટાને વેચવા માટે અદ્યતન તબક્કામાં વાતચીત કરી રહી છે. ચીન અને યુએસ વચ્ચેના ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે Apple ચીનની બહાર તેની સપ્લાય ચેઇનમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરી રહી છે.