ક્ષત્રિય સમાજના આંદોલનમાં એક વખતે મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ નાટકીય રીતે યૂ ટર્ન લઇ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવનાર રાજકોટના પદ્મિનીબા વાળાએ રૂપાલાને માફી આપવાની જાહેરાત કરી હતી, તેમજ ભવિષ્યમાં પોતે ભાજપમાં જોડાઇ શકે તેવા નિર્દેષ પણ આપ્યા હતા.
શુક્રવારે પદ્મિનીબા વાળા મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ પણ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પાંચમી વખત માફી માગી તે તેમની માનવતા દર્શાવે છે, તેમની ઉંમર અને તેમણે પાંચ પાંચ વખત માફી માગતા પોતે તથા તેમની ટીમ રૂપાલાને માફી આપે છે.
પદ્મિનીબાએ સંકલન સમિતિને આડેહાથ લેતા ફરીથી કહ્યું હતું કે, સંકલન સમિતિએ તેમને તથા તેમની ટીમને હાથો બનાવી છે, તાજેતરમાં સંકલન સમિતિએ હાલ પૂરતું આંદોલન પૂરું થયાની જાહેરાત કરી તે કોને પૂછીને કરી?, સંકલન સમિતિઅે રૂપાલાને માફ કરવા જોઇએ અથવા આંદોલન કરવું જોઇએ, પરંતુ સમાજના હિતની વાતો કર્યા બાદ સંકલન સમિતિ હવે આગામી દિવસોમાં ટિકિટ મુદ્દે પણ લડત કરવાની વાતો કરી રહી છે તે અયોગ્ય છે. સંકલન સમિતિના કરતૂતોનો ભાંડાફોડ કરવાની વાતો કરનાર પી.ટી.જાડેજાએ પોતાનો ફોન બંધ કરી દીધો છે અને તમામ અંદરો અંદર ખીચડી પકવી રહ્યા છે અને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.