બ્રિટન બુધવારથી 2 દિવસીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પર દુનિયાની પહેલી એઆઇ સેફ્ટી સમિટની યજમાની કરશે. બ્રિટિશ પીએમ ઋષિ સુનકની પહેલ પર આયોજિત આ સંમેલનમાં ઇલોન મસ્ક સહિત 100થી વધુ પ્રતિનિધિ ભાગ લેશે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને એક આદેશ જારી કર્યો છે, જેમાં એઆઇની મદદથી વિકસિત ફોટો, વીડિયો અને ઑડિયોને વોટરમાર્ક લગાવવાનું અનિવાર્ય કર્યું છે.
લંડનના સંમેલનનો હેતુ દેશો અને ટેક કંપનીઓ વચ્ચે એઆઇનાં જોખમો પર નજર રાખવા માટે સહમતિ સાધવાનો છે. સંમેલનમાં એઆઇના સૌથી એડવાન્સ વર્ઝન ‘ફ્રન્ટિયર એઆઇ’ પર નિયંત્રણની ચર્ચા થશે. એક વાર ફ્રન્ટિયર એઆઇના મૉડલના વિકસિત થયા બાદ તેમાં માનવીય હસ્તક્ષેપ ઓછો થઇ જાય છે. તેનાથી બાયો સિક્યોરિટી અને સાઈબર સિક્યોરિટીને ખતરો હોવાની આશંકા છે.
બાઇડેન સરકારનો આદેશ, એઆઇનો પ્રયોગ હથિયાર બનાવવામાં નહીં થાય
એઆઇને નિયંત્રિત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સોમવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત કંપનીઓએ એઆઇના રિસર્ચનાં પરિણામની જાણકારી અમેરિકન સરકારને આપવી પડશે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે એ સુનિશ્ચિત થશે કે એઆઇ પ્રોડક્ટનો ઉપયોગ જૈવિક અથવા પરમાણુ હથિયાર બનાવવામાં નહીં થાય. એઆઇ પ્રોડક્ટનું પરીક્ષણ પણ થશે, જેનાથી સુનિશ્ચિત થઇ શકે કે તેનો ઉપયોગ જૈવિક અથવા પરમાણુ હથિયાર બનાવવામાં ન થાય. પરીક્ષણનો રિપોર્ટ સરકારને અપાશે. કંપનીઓએ એઆઇ સિસ્ટમની ક્ષમતા, મર્યાદા, ઉપયોગ-દુરુપયોગ પર પણ રિપોર્ટ રજૂ કરવો પડશે તેમજ મજબૂત સુરક્ષા નિયંત્રણ માટેની સિસ્ટમ પણ વિકસિત કરવી પડશે. નવા નિયમો હેઠળ ક્લાઉડ સેવાઓ ઉપલબ્ધ કરાવતી કંપનીઓએ વિદેશી ગ્રાહકો અંગે પણ સરકારને જાણ કરવાની રહેશે.