વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ, પોસ્ટ, કે અન્ય માધ્યમથી લોકોની લાગણી દુભાય અથવા સીધી કે આડકતરી રીતે કોઈ રાજકીય પક્ષને લાભ કે નુકસાન થાય તેવા ઈરાદાથી કરાયેલી કોઈપણ પ્રવૃતિઓ પર નજર રાખવા માટે ચૂંટણી પંચે શહેરના સાઈબર ક્રાઈમ ડીસીપીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. જો કોઈ આવી પ્રવૃતિ કરતા જણાશે તો તેમની વિરુદ્ધ આઈપીસી અને અન્ય ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.
વિધાનસભા ચૂંટણી મામલે જાહેર કરાયેલી આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી પંચે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરી છે. સોશિયલ મીડિયામાં આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં કરાવવામાં કે દર્શાવવામાં આવતી હોય તો તેની સામે ભારતીય દંડ સહિતા તથા લોક પ્રતિનિધિ ધારો 1951 તથા ચૂંટણી આચારસંહિતા 1961 મુજબ કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચે નાયબ પોલીસ કમિશનર, સાઈબર ક્રાઈમ અજીત રાજીયાણની અમદાવાદ શહેર અને ગ્રામ્ય માટે નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે.
કોઈપણ નાગરિકના ધ્યાને આવે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આચારસંહિતાનો ભંગ થતો હોય તેવી કોમેન્ટ, વીડિયો કે અન્ય રીતે પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય તેની માહિતી આપવા માટે વોટ્સએપ નંબર 99988 97227 પર લોકો જાણ કરી શકશે.