પાકિસ્તાને કારગિલ ડે પર રાજનાથ સિંહના નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પ્રેસ રિલીઝમાં કહ્યું- અમે લદ્દાખમાં આપવામાં આવેલા ભારતના રક્ષા મંત્રીના નિવેદનની નિંદા કરીએ છીએ.
ભારતે આ મામલે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આવા નિવેદનો ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા માટે ખતરો છે. આ દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક વાતાવરણને બગાડી શકે છે.
આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ભારતીય નેતા કે સૈન્ય અધિકારીએ PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને લઈને આ પ્રકારનું બેજવાબદાર નિવેદન આપ્યું હોય.
આ પ્રકારની રાષ્ટ્રવાદી વાણીવિલાસ બંધ થવી જોઈએ. અમે ભારતને યાદ અપાવવા માગીએ છીએ કે પાકિસ્તાન કોઈપણ ખતરા સામે પોતાનો બચાવ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
પાકિસ્તાને કહ્યું કે ભારતના નેતાઓ ચૂંટણીમાં પોતાના ફાયદા માટે પાકિસ્તાન પર નિવેદનો આપે છે, જેને રોકવાની જરૂર છે. તે જ સમયે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતને વિવાદિત વિસ્તાર પર સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનો નિષ્ઠાપૂર્વક અમલ કરવાની સલાહ આપી.