ચાલુ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન વૈશ્વિક પડકારો છતાં રોકાણકારોએ ભરોસો દર્શાવતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણ આંશિક વધીને $2.93 અબજ નોંધાયું છે. ગત વર્ષે આ સેક્ટરમાં $2.88 અબજનું રોકાણ થયું હતું. આર્થિક વૃદ્ધિદર અને ભૌગોલિક રાજકીય તણાવ સહિતના વૈશ્વિક પડકારો છતાં સંસ્થાકીય રોકાણકારોએ ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભરોસો મૂક્યો હતો. સેક્ટરમાં રોકાણમાં વૃદ્ધિ એ આંતરરાષ્ટ્રીય માર્કેટ વચ્ચે ઉભરતા ભારતના માર્કેટમાં રહેલી ગ્રોથની તકોને દર્શાવે છે તેવું JLL ઇન્ડિયાએ જણાવ્યું હતું.
પ્રોપર્ટી કન્સલટન્ટ જેએલએલ ઇન્ડિયા અનુસાર દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં નાણાકીય વર્ષ 2023ના પહેલા છ મહિના દરમિયાન 22 ડીલ મારફતે $2,939 મિલિયનનું રોકાણ જોવા મળ્યું હતું. રોકાણ માટેની પેટર્ન મજબૂત રહી છે અને આ કેલેન્ડર વર્ષે તે $5 અબજને આંબે તેવી શક્યતા છે. ડેટા અનુસાર, ઓફિસ એસેટ્સમાં જાન્યુઆરી-જૂન દરમિયાન રોકાણ ગત વર્ષના $1,056 મિલિયનથી વધીને $1,927 મિલિયન નોંધાયું છે.
ચાલુ વર્ષના પહેલા છ મહિના દરમિયાન રહેણાંક મિલકતોમાં $512 મિલિયનનું રોકાણ જોવા મળ્યું હતું. જ્યારે ગત વર્ષે તેમાં $429 મિલિયનું રોકાણ નોંધાયું હતું. વેરહાઉસ એસેટ્સમાં રોકાણ અગાઉના $203 મિલિયનથી વધીને $366 મિલિયન રહ્યું છે. જ્યારે હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ ગત વર્ષની તુલનાએ $134 મિલિયનનું રોકાણ થયું હતું. જો કે ગત વર્ષે $499 મિલિયનના રોકાણ સામે આ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન ડેટા સેન્ટર્સ, રિટેલ અને અન્ય પ્રોજેક્ટસમાં કોઇપણ પ્રકારનું રોકાણ જોવા મળ્યું નથી.