રાજકોટ શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી અટકાવવા એસઓજી સતત કાર્યવાહી કરી રહી છે અને તેના ભાગરૂપે ન્યૂ રાજદીપ સોસાયટી મેઇન રોડ પરથી રૂ.1.24 લાખના 12.41 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે હત્યાના આરોપીને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ રાજસ્થાન ફરવા ગયો હતો ત્યાંથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના ન્યૂ રાજદીપ સોસાયટી મેઇન પર પી.પટેલ પ્રોવિઝન સ્ટોરની બાજુમાંથી જાહેર રોડ પર એક શખ્સ એમ.ડી.ડ્રગ્સ સાથે નીકળવાનો હોવાની એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે પીઆઇ એસ.એમ.જાડેજા અને સ્ટાફે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલા અંકુર ઉર્ફે બાડો કિરીટ સંચાણિયા (રે.‘કુળદેવી’ પ્રજાપતિ સોસાયટી શેરી નં.3/6, ઓમનગર પાસે, 40 ફૂટ રોડ)ને રૂ.1,24,100ના 12.41 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો અને તેના કબજામાંથી રૂ.10 હજારનો મોબાઇલ અને રૂ.500 રોકડ સહિતનો કુલ રૂ.1,34,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.