જર્મનીમાં, ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ વિરુદ્ધ સંસદના નીચલા ગૃહ બુન્ડસ્ટેગમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. રોયટર્સ અનુસાર, સોમવારે જર્મનીના 733 સીટોવાળા નીચલા ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું. આમાં 394 સભ્યોએ સ્કોલ્ઝ વિરુદ્ધ મતદાન કર્યું, 207 સાંસદોએ તેમનું સમર્થન કર્યું, જ્યારે 116 સભ્યો ગેરહાજર રહ્યા.
સ્કોલ્ઝને બહુમતી મેળવવા માટે 367 સાંસદોના સમર્થનની જરૂર હતી. મતદાનના પરિણામો આવ્યા પછી તરત જ, ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે જર્મન રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટેઈનમેયરને સંસદ ભંગ કરવા અને નવી ચૂંટણીઓ યોજવા અપીલ કરી.
જર્મનીમાં ચાન્સેલર ભારતમાં વડાપ્રધાનની જેવા હોય છે. ચાન્સેલર સ્કોલ્ઝે વિશ્વાસ મત મેળવવા માટે 15 જાન્યુઆરી સુધીનો સમય માગ્યો હતો. હવે બંધારણ મુજબ, જર્મન રાષ્ટ્રપતિએ 21 દિવસની અંદર જર્મન સંસદના નીચલા ગૃહને વિસર્જન કરવું પડશે અને 60 દિવસમાં નવી સામાન્ય ચૂંટણીઓ યોજવી પડશે. જો આમ થશે તો દેશમાં સમયના 7 મહિના પહેલા ચૂંટણી યોજાશે.
2021માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં, સ્કોલ્ઝની SDP પાર્ટીને 206 બેઠકો, ગ્રીન્સ પાર્ટીને 118 બેઠકો અને ફ્રી ડેમોક્રેટિક પાર્ટીને 92 બેઠકો મળી હતી. ત્રણેય પક્ષોએ ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.