શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર દર્શન એવન્યુના રામેશ્વર પાર્કમાં રહેતા અને મુંબઇમાં નોકરી કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશભાઇ મગનલાલ ઘેવરિયા (ઉ.વ.43)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇ કાંદીવલીના વિનાયક બિલ્ડિંગમાં રહેતા હિરેન ચંદ્રકાંત ઘેલાણીનું નામ આપ્યું હતું. રાજેશ ઘેવરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 1988માં મુંબઇ લોહાણા વિદ્યાર્થી ભવનમાં સાથે રહેતા હિરેન ચંદ્રકાંત ઘેલાણી વર્ષ 2013માં મળ્યો હતો અને તેણે પોતે મુંબઇમાં કંપની ધરાવતો હોવાનું અને શેરબજારમાં સબબ્રોકર અને એડવાઇઝર હોવાની વાત કરી હતી અને હિરેનના કહેવાથી રાજેશ ઘેવરિયાએ શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હતું. રૂ.3 લાખ મોકલ્યા હતા જેના થોડા સમય બાદ રૂ.4 લાખ પરત મોકલી વિશ્વાસ જીત્યો હતો.
ત્યારબાદ રાજેશ ઘેવરિયાએ રૂ.5 લાખ શેર ખરીદી માટે મોકલ્યા હતા જેમાં શેરની ખરીદી બાદ રાજેશને રૂ.17.28 લાખ લેવાના નીકળતા હતા, પરંતુ હિરેન ઘેલાણીએ રૂ.10,44,345 મોકલ્યા હતા. બાકીના રૂ.6,83,655 મોકલ્યા નહોતા. બાદમાં હિરેને પોતાને ધંધા માટે નાણાંની જરૂરિયાત છે 1 ટકા વળતર આપશે તેમ કહેતા રાજેશ ઘેવરિયાએ રૂ.15 લાખ મોકલ્યા હતા. જેમાંથી માત્ર 3 લાખ જ પરત આપ્યા હતા. બાકીના કુલ રૂ.18,83,655 આજ દિવસ સુધી નહીં મોકલી છેતરપિંડી આચરી હતી. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.