રાજકોટ બાર એસોસિએશનની શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ લીગલ સેલના આશીર્વાદ ધરાવતી કાર્યદક્ષ પેનલ અને પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીની પેનલ રાત્રે 11.30 વાગ્યે મળતા અહેવાલ પ્રમાણે પરાજય તરફ જઇ રહી છે. બાર એસોસિએશનના સેક્રેટરી અને બે કારોબારી સભ્યના પદ સિવાય 12 હોદ્દાઓ પર સમરસ પેનલનો દબદબો છવાયો હતો. 1900 મતની ગણતરીના અંતે સમરસ પેનલના પરેશ મારૂને 721 મત, કાર્યદક્ષ પેનલના દિલીપ જોશીને 459 મત અને એક્ટિવ પેનલના બકુલ રાજાણીને 567 મત મળતા મારૂની જીત નિશ્ચિત બની છે. જ્યારે સેક્રેટરી પદ પર કાર્યદક્ષ પેનલના સંદીપ વેકરિયા 884 મતે સૌથી આગળ રહ્યા છે. જ્યારે એક્ટિવ પેનલના વિનશ છાયાને માત્ર 115 મત અને સમરસ પેનલને કેતનકુમાર દવેને 659 મત મળ્યા હતા.
ઉપપ્રમુખ બનવાની રેસમાં સમરસ પેનલના સુમિત વોરા સૌથી વધુ 1030 મતો સાથે પોતાના હરીફોથી આગળ દોડી રહ્યા છે. એક્ટિવ પેનલના નિરવ પંડયાને માત્ર 160 મત અને કાર્યદક્ષ પેનલના મયંક પંડયાને 621 મત મળ્યા હતા. જોઇન્ટ સેક્રેટરી પદ પર કાર્યદક્ષ પેનલના જીતેન્દ્ર પારેખ 899 મત સાથે આગળ છે અને તેમના હરીફ ઉમેદવાર સમરસ પેનલના જાડેજા ગિરિરાજસિંહ જાડેજા 865 મતે કાંટે કી ટક્કર આપી રહ્યા છે. જો કે જોઈન્ટ સેક્રેટરીપદની ચૂંટણીનું પરિણામ છેલ્લી ઘડીએ ઉલટ-પુલટ થાય તેવી શકયતા નકારી શકાતી નથી. ખજાનચીપદે સમરસ પેનલના દોંગા પંકજ 774 મતે જીત તરફ કૂચ કરી રહ્યા છે. જ્યારે બીજા સ્થાને કાર્યદક્ષ પેનલના કૈલાશ જાનીને 685 મત મળ્યા છે. જ્યારે એક્ટિવ પેનલના રાજેશ ચાવડાને 290 મત મળ્યા છે. લાઇબ્રેરી સેક્રેટરીપદની ચૂંટણીમાં સમરસ પેનલના કેતન મંડ 1004 મતો સાથે આગળ છે, જયારે તેમના હરીફ કાર્યદક્ષ પેનલના રવિ ધ્રુવને 721 મત મળ્યા છે. જ્યારે મહિલા અનામત બેઠકની ચૂંટણીમાં સમરસ પેનલના ઉપાધ્યાય રક્ષાબેન 773 મત સાથે આગળ રહ્યા છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં કાર્યદક્ષ પેનલના થડેશ્વર રુપલબેનને 406 મત અને એક્ટિવ પેનલના હર્ષાબેન પંડયાને 230 મત મળ્યા હતા.