Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વોટ્સએપમાં વીડિયો કોલ કરી ફેક ન્યૂડ વીડિયો દર્શાવી બાદમાં બ્લેકમેલ કરી પૈસા પડાવવામાં આવતા હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. જો કે આ બનાવમાં આબરૂ જવાના કારણે મોટાભાગે લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. પરંતુ ફરિયાદ કરવામાં આવે તો તેમને તેમની રકમ પરત પણ મળી શકે છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આવી જ એક ઘટનામાં ફેક ન્યૂડ કોલના માધ્યમથી બ્લેકમેલિંગમાં યુવકે ગુમાવેલા 64,500 રૂપિયા પરત અપાવ્યા છે. યુવતીએ વોટ્સએપ પર વીડિયો કોલ કરી ન્યૂડ થઈ રેકોર્ડિંગ કર્યું હતું. બાદમાં રેકોર્ડિંગ યુટ્યુબ પર વાઇરલ કરવાની ધમકી આપી 64,500 રૂપિયા પડાવ્યા હતા.

મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના વતની અને હાલ રાજકોટ શહેરના વાણિયાવાડી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવાને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, વોટ્સએપમાં કોઈ અજાણ્યા નંબર પરથી તેને વીડિયો કોલ આવ્યો હતો, જે રિસિવ કરતા કોઈ અજાણી યુવતી નગ્ન અવસ્થામાં હતી અને તેને સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં બીજા અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ કરી નગ્ન વીડિયો યુટ્યુબમાં વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂ.64,500 પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવી હતી.

યુવાનની અરજી બાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરી બાદમાં યોગ્ય કાર્યવાહી કરી યુવકને તેની ગયેલી રકમ રૂ.64,500 પરત અપાવવામાં આવી છે. આ સાથે અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કોલથી સતર્ક રહેવા અને આવા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં રૂપિયા આપવાના બદલે પોલીસમાં અરજી અથવા ફરિયાદ કરવા લોકોને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.