શહેરના રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી ગર્ભવતી બન્યા બાદ દુષ્કર્મનો ભાંડો ફૂટ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર યુવતીએ લાભદીપ સોસાયટીમાં રહેતા કૌટુંબિક ફઇના દીકરા તુષાર દિનેશ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, કૌટુંબિક ફઇના અવસાન બાદ તુષાર સંબંધીના નાતે ઘરે અવારનવાર આવતો જતો રહેતો હોય પારિવારિક સંબંધ હતા. છ મહિના પૂર્વે બપોરના સમયે ઘરે પોતે એકલી હતી ત્યારે તુષારે માતાના મોબાઇલમાં ફોન કરી પોતાને ઘરની બહાર આવવા અને મંદિર પાસે મળવા માટે બોલાવી હતી.
જેથી પોતે તુષાર પાસે પહોંચી હતી. થોડી વાર બાદ વાતચીત કર્યા બાદ તુષારે ગાંધીગ્રામ જીવંતિકાનગર-11માં મારા દાદાનું મકાન ખાલી છે ચાલ ત્યાં આપણે બેય શાંતિથી બેસીને વાતચીત કરીશું તેમ કહી પોતાને બાઇકમાં બેસાડી તુષાર ઘરે લઇ ગયો હતો. અહીં થોડીવાર બેસ્યા બાદ તુષારે શરીરસંબંધ બાંધવાની વાત કરી હતી. જેથી આપણા વચ્ચે મિત્રતાના સંબંધ છે, આવું આપણાથી ખરાબ કામ ન કરાય તેમ કહ્યું હતું. ત્યારે તુષાર ઉશ્કેરાય ગયો હતો અને જો તું મારી સાથે શરીરસંબંધ નહિ બાંધે તો આપણા સંબંધની ખોટી વાત બધા લોકોને કહી તને બદનામ કરી દઇશ. આવી ધમકી આપી તુષારે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં આપણા બેયના સંબંધની કોઇને વાત કરતી નહિ તેમ કહી પોતાને ઘર પાસે મૂકી જતો રહ્યો હતો. બીકના કારણે આ વાત પરિવારમાં કરી ન હતી. દરમિયાન તા.21ને બુધવારે સવારે પોતાને કમરમાં દુખાવો થતા માતાને વાત કરી હતી. જેથી માતા સહિતનાઓ પોતાને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબે રિપોર્ટ કરાવતા પોતાને સાત મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. બાદમાં તુષારે પોતાની સાથે બળજબરી કરી આચરેલા કૃત્યની પરિવારજનોને સઘળી વાત કરતા ગાંધીગ્રામ પોલીસ મથક જઇ ફરિયાદ નોંધાવી છે.