વડોદરામાં ઓનલાઇન ક્લાસથી સંપર્કમાં આવેલી મહિલા જ્યોતિષ પર પશ્ચિમ બંગાળના શખસે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આરોપીને પકડવા માટે માંજલપુર પોલીસના મહિલા PSIએ 1.55 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ દુષ્કર્મ પીડિતાએ પોલીસ કમિશનર અને એસીબીમાં કરેલી અરજીમાં કર્યો છે. જેને પગલે વડોદરા શહેર પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.
1 મેના રોજ વડોદરા શહેરના મકરપુરા રહેતી મહિલા જ્યોતિષે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એની ઉપર પશ્ચિમ બંગાળના પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ સામે દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ કરી હતી. જો કે, માંજલપુર પોલીસે મહિલા જ્યોતિષની સગીર પુત્રીઓ સાથે શારીરિક અડપલાની કલમ લગાવી નથી. આરોપીને કોલકત્તા પકડવા જવા માટે 80 હજાર અને પછી 75 હજાર એમ 1.55 લાખ વકીલ મારફતે મહિલા PSI રસીકા ચુડાસમાએ લીધા હોવાનો આરોપ મહિલા જ્યોતિષે પોલીસ કમિશનર અને એસીબીને કરેલી અરજીમાં કર્યો છે. પોલીસ કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં પીડિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI રસીકા ચુડાસમા સાથે કોલકત્તા ગયેલા અન્ય ત્રણ કર્મીઓએ આરોપીને પકડવા વિમાનમાં જવા અને આવવાની ઉચ્ચ અધિકારી પાસેથી મંજૂરી લીધી છે કે કેમ એની પણ તપાસ કરવા માગ કરી છે.