શહેરમાં સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે થોરાળા પોલીસે તપાસ કરતા અગાઉ હીરાનું કામ કરતા હોય મંદી આવ્યા બાદ છૂટક મજૂરીકામ કરતા તેમાં પણ કામ નહીં મળતા પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
રાજારામ સોસાયટીમાં રહેતા ભરતભાઇ રાઘવભાઇ ગોવાણી (ઉ.50) પોતાના ઘેર ઉપરના રૂમમાં છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવને પગલે તેને રૂમમાં બોલાવવા જતા પુત્રીએ પિતાને લટકતી હાલતમાં જોઇ દેકારો કરતા પરિવાર સહિતના લોકોએ તેને નીચે ઉતારી જાણ કરતા 108ની ટીમે પહોંચી તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ.ટી. જીજાળા સહિતના સ્ટાફે મૃતદેહ પોસમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં મૃતક છ ભાઇમાં નાના હતા અને તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું અને હીરાની મજૂરીકામ કરતા હતા બાદમાં મંદી આવતા કારખાનામાં છૂટક મજૂરીકામ કરતા હોય તેમાં પણ કેટલાક સમયથી કામ મળતું ન હોય ગુમસૂમ રહેતા હોય. જેથી કામ નહીં મળતા આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.