ઓક્ટોબર-2022માં થયેલા પેપરકાંડ બાદ અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાની બાબતમાં ગંભીરતા રાખવી હોય એમ પરીક્ષા દરમિયાન પેપર સીલપેક બોક્સ અને કવરમાંથી ખોલવા અંગેની ગાઈડલાઈન જાહેર કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં હવે પેપરનું બોક્સ પરીક્ષાના 30 મિનિટ પહેલા અને બોક્સમાં રહેલું પેપરનું પેકેટ પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ પહેલા જ કાઢવાનું રહેશે.
આ ઉપરાંત સીલપેક પેપર કાઢનારે કેન્દ્રમાં પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં ખોલવા અંગેનું પ્રમાણપત્ર ભરવું પડશે અને આ પ્રમાણપત્રમાં વર્ગખંડમાં હાજર બે વિદ્યાર્થીની સહી લેવામાં આવશે જેથી એવું પ્રસ્થાપિત કરી શકાય કે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં જ મોકલાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા કોલેજોને કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમયાંતરે લેવામાં આવતી જુદી-જુદી વિદ્યાશાખાની પરીક્ષાઓમા પ્રશ્નપત્રોના સીલબંધ પેકેટ માટેનું બોક્સ નિયત સમય મર્યાદામાં એટલે કે પરીક્ષા શરૂ થતાં પહેલા 30 મિનિટ અગાઉ ખોલવાનું રહેશે તેમજ સીલબંધ બોક્સના પેકેટમાંથી સીલબંધ કવર વિદ્યાર્થીઓની હાજરીમાં પરીક્ષા ખંડમાં પરીક્ષાના નિયત સમયના 10 મિનિટ અગાઉ ખોલવાનું રહેશે.