રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે કાતિલ ગરમીનો દોર યથાવત્ રહ્યો હતો. રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની લગોલગ 43.9 ડિગ્રી પર પહોંચી જતા રંગીલા રાજકોટવાસીઓ તોબા પોકારી ગયા હતા. શહેરમાં બપોરના સમયે સૂર્યદેવતાની સંચારબંધી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ સૌથી વધુ ગરમ શહેર હતું.
હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજકોટ શહેરમાં તાપમાનનો પારો સતત ઊંચો જઇ રહ્યો છે. હવામાન ખાતાની માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 43.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 વાગ્યે 61 ટકા અને સાંજે 5.30 વાગ્યે 18 ટકા નોંધાયું છે. જ્યારે પવનની ગતિ 12 કિ.મી. રહેતા ટૂ-વ્હિલર ચાલકોએ અસહ્ય લૂનો અહેસાસ કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાએ મૂકેલા સેન્સર મુજબ સૌથી વધુ રેસકોર્સ પાસે 43.31 ડિગ્રી તાપમાન નોંધાયું છે.