આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા (ISIS)નો ચીફ અબુ હસન અલ હાશમી માર્યો ગયો છે. આ જ સંગઠનના પ્રવક્તાએ તેના મોતની જાણકારી આપી છે. તેણે કહ્યું હતું કે દપશ્મનોની લડાઈ વખતે તેના લીડરનું મોત થઈ ગયું છે. 9 મહિના પહેલાં જ આ સંગઠનનો લીડર બનાવવામાં આવ્યો હતો.
અબુ હસનના મર્યા પછી સંગઠને નવા લીડરની પણ ઘોષણા કરી દીધી છે. હવે ISISનો નવો ચીફ અબુ અલ-હુસૈન અલ કુરેશી હશે.
ISISના પ્રવક્તાએ પોતાના લીડરના મોતની પુષ્ટિ તો કરી દીધી છે, પરંતુ એ કેવી રીતે મર્યો એ વિશે જણાવવામાં આવ્યું નથી. કયા સંગઠન અથવા તો આર્મી સાથે લડ્યા વખતે માર્યો ગયો એ વિશે કંઈ કહ્યું નથી.
ફેબ્રુઆરીમાં માર્યો ગયો હતો જૂનો ચીફ
ફેબ્રુઆરી 2022માં અમેરિકાએ ISISનો જૂનો ચીફ ઇબ્રાહિમ અલ હાશમી અલ કુરેશીને મારી નાખ્યો હતો. અમેરિકાના પ્રેસિડન્ટે એક નિવેદન બહાર પાડીને જાણ કરી હતી કે 'અમે યુદ્ધના મેદાનમાં અબુ ઇબ્રાહિમ અલ હાશમીને મારી નાખ્યો છે. તે ISISનો લીડર હતો.' જોકે સંગઠને માર્ચમાં પહેલીવાર અલ હાશમીની મરી જવાની પુષ્ટિ આપી હતી. અને આ પછી અબુ હસનને નવો લીડર બનાવવામાં આવ્યો હતો.