ભારતીય શેરમાર્કેટમાં મજબૂતી અટકી છે. 23 જૂલાઇના રજૂ થનારા બજેટ પર રોકાણકારોની નજર કેન્દ્રિત થવા સાથે કોર્પોરેટ ત્રિમાસીક પરિણામોની સિઝન શરૂ થવા પૂર્વે રોકાણકારો હેવીવેઇટ્સ શેર્સમાં પ્રોફિટબુક કરી રહ્યાં છે જેના પગલે માર્કેટમાં સુધારો અટક્યો છે. સેન્સેક્સ 27.43 પોઈન્ટના ઘટાડા સાથે 79897.34 પર બંધ રહ્યો હતો.
શરૂઆતના તબક્કામાં 245.32 પોઈન્ટ વધીને 80170.09ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી માત્ર 8.50 પોઈન્ટ ઘટીને 24,315.95 બંધ રહ્યો હતો.બીજી તરફ સ્મોલકેપ તથા મિડેકપ સેગમેન્ટમાં શેર્સના ઉંચા વેલ્યુએશન વચ્ચે મજબૂત સ્થિતી જોવા મળી હતી. રોકાણકારોની મૂડીમાં વધારો થઇ 451.26 લાખ કરોડ પહોંચી હતી. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડી 83.56 રહ્યો છે.
TCS તેના ત્રિમાસિક નાણાકીય પરિણામોની રજૂઆત પહેલા 0.33 ટકા વધ્યો હતો. બજારના કલાકો પછી ભારતની સૌથી મોટી IT સેવાઓ કંપનીએ જૂન 2024 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 8.7 ટકાનો વધારો નોંધાવ્યો હતો. પરિણામે આઇટી સેક્ટરને સપોર્ટ મળ્યો છે. સેન્સેક્સ પેકમાં બજાજ ફાઇનાન્સ સૌથી વધુ 1.48 ટકા ઘટ્યો હતો.
એમએન્ડ એમ, NTPC અને નેસ્લે ઘટ્યા હતા. સ્મોલકેપ ઇન્ડેક્સ 0.57 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 0.34 ટકા વધ્યો હતો.સેક્ટોરલ ઇન્ડેક્સમાં રિયાલ્ટીમાં 1.41 ટકા, ઓટોમાં 0.43 ટકા અને યુટિલિટીઝમાં 0.19 ટકાનો ઘટાડો નોંધાયો હતો.