રાજકોટના જામનગર રોડ પર આવેલા વોર્ડ નં.3ના માધાપર વિસ્તારની વિનાયક વાટિકા સહિતની અનેક સોસાયટીમાં મહાનગરપાલિકા 3-3 વર્ષથી મિલકત વેરો ઉઘરાવતી હોવા છતાં નળ કનેક્શન આપતી ન હોવાથી દર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય છે અને વિસ્તારવાસીઓ હોબાળો મચાવે મહાનગરપાલિકામાં રજૂઆત કરે ત્યારબાદ જ ટેન્કરો શરૂ થતા હોવાની રાવ આ વર્ષે પણ ઊઠી છે. ડેપ્યુટી મેયરનો વિસ્તાર હોવા છતાં છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખી નળ કનેક્શન આપવાના માત્ર ઠાલા વચનો જ આપવામાં આવી રહ્યાનું અને તેનું પાલન કરવામાં મનપાના સત્તાધીશોને રસ ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. રાજકોટના જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવેલી વિનાયક વાટિકાના રહીશો તથા અન્ય સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, અમારા કરતા નાગેશ્વર વિસ્તાર અંદાજે 2 કિલોમીટર જેટલો દૂર છે.
જ્યારે અમારો વિસ્તાર મહાનગરપાલિકામાં ભળી ગયા બાદ છેલ્લા 3 વર્ષથી નિયમિત રીતે મિલકત વેરો પણ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે. આમ છતાં હજુ સુધી અમારા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન અને નળ કનેક્શનની સુવિધા અમને વિસ્તારવાસીઓને મળી નથી. અમારી સોસાયટીઓમાં તમામ ઘરોમાં બોર હોવાથી તેના પાણીથી લોકો ગુજરાન ચલાવે છે. જ્યારે છેલ્લા 3 વર્ષથી અમારા સોસાયટીના રહીશો જ્યારે પણ નળ કનેક્શન માટે રજૂઆત કરે ત્યારે માત્ર ઠાલા વચનો જ મળે છે. અમારા વોર્ડના નગરસેવક ડેપ્યુટી મેયર હોવા છતાં માધાપર વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યા બાદ પણ નળ કનેક્શન જેવી સુવિધા પૂરી પાડવામાં મનપા તંત્ર ઊણું ઉતર્યું છે. આ મુદ્દે ભૂતકાળમાં અનેક વખત ભાજપના આગેવાનો અને મનપામાં રજૂઆત કરી છે. દર વર્ષે અમારા વિસ્તારમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે અને તે મુદ્દે મહિલાઓ મહાનગરપાલિકામાં રજૂઆત કરે ત્યારબાદ જ પાણીના ટેન્કરો શરૂ કરાય છે અને જે દિવસે પાણીના ટેન્કરો ન આવે ત્યારે સોસાયટીના રહીશોએ પાણી વેચાતું લેવું પડે છે.