Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદમાં એકાદ મહિના પહેલાં લુખ્ખા ટોળકીએ ભર બપોરે જે રીતે નિર્દોષ લોકોને ફટકાર્યા હતા તેવી જ ઘટના રાજકોટમાં સોમવારની રાત્રે મવડીના અમરનગર વિસ્તારમાં બની હતી. અનેક પરિવારો ઉનાળાની ગરમીમાં તેમના ઘરની બહાર મહિલા અને બાળકો સાથે બેઠા હતા ત્યારે ત્રણ કુખ્યાત શખ્સ સહિત દશેક અસામાજીક તત્વોની ટોળકી વાહનમાં ત્યા આવી હતી અને મહિલાઓ પર મીર્ચી સ્પ્રેથી હુમલો કર્યો હતો. સોડા-બોટલના ઘા કરી દહેશતનું વાતાવરણ સર્જી દીધું હતું. આટલું કર્યા બાદ ટોળકીમાં સામેલ શખ્સો ચાલ્યા ગયા હતા, થોડીવાર બાદ ફરી વાહનો લઇને આવ્યા હતા આ સમયે લોકોમાં રોષ હતો અને ટોળા સ્વરૂપે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઘસી આવેલી ટોળકીએ લોકો પર વાહનો ચડાવી દઇ તેમને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આથી નાશભાગ મચી ગઇ હતી.


એક મહિલાને હાથમાં ઇજા થઇ હતી, અન્ય કેટલાક લોકોને પડી જવાથી નાની મોટી ઇજાઓ પણ થઇ હતી. માલવિયાનગર પોલીસના સ્ટાફે કોઇ ત્વરીત કાર્યવાહી ન કરતાં અમરનગર વિસ્તારના લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરીને બનાવની ગંભીરતા વર્ણવી હતી.

ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાને પરિસ્થિતી અંગેનો ખ્યાલ આવી જતાં તેઓ સીધા જ અમરનગર વિસ્તાર દોડી ગયા હતા અને અગાઉ પણ આ ટોળકી સામે કોઇકાર્યવાહી ન કરનાર માલવિયાનગરના પોલીસ ઇન્સપેક્ટર દેસાઇ સહિતના સ્ટાફને આદેશ કર્યો હતો કે, લુખ્ખાઓને તાકીદે પકડો અને તેની સામે આકરી કાર્યવાહી શરૂ કરો. આથી મધરાતે એક સગીર સહિત ત્રણ શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે અન્યની શોધખોળ શરૂ કરાઇ છે. લોકોએ રજૂઆત કરી હતી કે, એક દિવસ પહેલાં પણ આ શખ્સોએ છરી સાથે આતંક મચાવ્યો હતો છતાં પોલીસે માત્ર અરજી લીધી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી નજીક અમરનગરમાં બાપા સીતારામ ચોક પાસે બે દિવસ પહેલાં નશામાં ધૂત શખ્સોએ છરીઓ સાથે ધસી આવી છોકરાંઓને ધમકાવ્યા હતા. દરમિયાન વિસ્તારવાસીઓએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. બનાવને પગલે લુખ્ખા ટોળકીને જાણ થતા ઉશ્કેરાયા હતા. રાત્રીના નશામાં ધૂત ટોળકી ધસી આવી હતી અને મહિલાઓ પર મિર્ચી સ્પ્રે છાંટી મારકૂટ કરી હતી.