રાજકોટની પીએફ કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતાં નિરજસીંઘ સામે સીબીઆઇએ લાંચ માગવાનો કેસ નોંધ્યા બાદ રાજકોટ સ્થિત તેના બંગલાને સીલ મારી દીધું હતું. સીલ મારેલા આ બંગલાના તાળાં તૂટતાં ચકચાર મચી ગઇ હતી. તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો કે, મહત્ત્વના દસ્તાવેજો સગેવગે કરવા જાણભેદુની સંડોવણી છે તે તપાસનો મુદ્દો બન્યો હતો.
પીએફ કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા નિરજસીંઘે વચેટિયા મારફત લાંચ માગી હતી. સીબીઆઇની ટીમે વચેટિયાને ઝડપી લઇ વચેટિયા અને નિરજસીંઘ સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા જ નિરજસીંઘ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બાદમાં સામેથી રજૂ થતાં સીબીઆઇએ તેની ધરપકડ કરી હતી.
પીએફના આસિસ્ટન્ટ કમિશનર નિરજસીંઘ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગની પાછળ આવેલી ઓસ્કાર રેસિડેન્સીમાં ભાડાના બંગલામાં રહેતા હતા. લાંચ કેસમાં ગુનો નોંધાતા સીબીઆઇની ટીમે તે બંગલાને સીલ મારી દીધું હતું. ગત તા.1ની રાત્રીના તે બંગલાના તાળાં તૂટ્યા હતા. તાળાં તૂટવા અંગે યુનિવર્સિટી પોલીસે બંગલાના માલિક વડોદરા રહેતા પીએફ કચેરીના કર્મચારી વિમલભાઇ મનહરભાઇ ઠક્કરને જાણ કરતા તે રાજકોટ દોડી આવ્યા હતા અને તેમની લેખિત અરજી નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.