ભરત ત્રિપાઠી લખપત તાલુકાના ખટિયામાં પડદા બેટમાં કેરાલા યુનિવર્સિટીના પુરાત્વીય વિભાગ દ્વારા ફેબ્રુઆરી-2024ના છેલ્લા અઠવાડિયાથી માર્ચ-2024ના મહિનામાં ખોદકામ કરાતાં 5200 વર્ષ જૂના હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યા છે, જેમાં સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ હાથ લાગ્યા છે. કેરાલા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અભયન જી.એસ. અને ડો. રાજેશ એસ.વી.ના માર્ગદર્શન હેઠળ ખોદકામ કરાયું હતું.
અગાઉ 2019માં કેરાલા યુનિ.ની ટીમને ‘પડદા બેટ’ નામની સાઇટ ખટિયા ગામના ભૂતપૂર્વ સરપંચ નારાણ જાજાણીની મદદથી મળી હતી. ‘પડદા બેટ’નું ખોદકામ તેનાથી 1.5 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ બાજુ આવેલા જૂના ખટિયા ખાતેના પ્રારંભિક હડપ્પા સભ્યતાના કબ્રસ્તાન પર 2019થી મોટાપાયે ખોદકામ કરાયું હતું. જૂના ખટિયાના ખોદકામને ધ્યાને લઇ વિદ્વાનો આ કબ્રસ્તાનને તેની આસપાસના રહેણાંક વિસ્તારો સાથે કેવા સંબંધો રહ્યા હશે તેના વિશે વિચારી રહ્યા હતા.
કબ્રસ્તાનની આસપાસ નાની-નાની વસાહતોના આવા સમૂહો કદાચ પ્રારંભિક હડપ્તા અને તેના પછીની વસાહતોએ આ સુકા પ્રદેશમાં સભ્યા વિકસાવવામાં મુખ્ય ભાગ રહ્યો હશે. ‘પડદા બેટ’નું ખોદકામ એ આ પ્રકારની નાની-નાની વસાહતોના સમૂહો પરની તપાસનો પ્રથમ ભાગ છે.