રશિયાએ રાજદ્રોહના ગુનામાં 12 વર્ષની સજા ભોગવી રહેલી રશિયન-અમેરિકન નાગરિક કેસેનિયા કારિલીનાને મુક્ત કરી દીધી છે. કેસેનિયા પર યુક્રેનને મદદ કરવા માટે $50નું દાન આપવાનો આરોપ હતો. ગયા વર્ષે રશિયામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને સજા ફટકારવામાં આવી હતી.
કેસેનિયાના બદલામાં, અમેરિકાએ જર્મન-રશિયન નાગરિક અને કથિત દાણચોર આર્થર પેટ્રોવને મુક્ત કર્યો છે, જેને લશ્કરી સાધનોની દાણચોરી અને મની લોન્ડરિંગ સહિતના આરોપોમાં અમેરિકામાં જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. પેટ્રોવ પર અમેરિકામાં બનેલા માઇક્રો-ઇલેક્ટ્રોનિક્સને રશિયામાં દાણચોરી કરવાનો આરોપ છે. આનો ઉપયોગ રશિયન સેના માટે શસ્ત્રો બનાવવા માટે થતો હતો.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કેસેનિયાની મુક્તિની પુષ્ટિ કરી હતી અને તેમણે કહ્યું હતું કે તે અમેરિકા જવા રવાના થઈ ગઈ છે. આ કેદીઓની અદલાબદલી ગુરુવારે અબુ ધાબીમાં થઈ હતી. સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.