સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની ગેરહાજરીમાં જ ત્રણ દિવસના ઉદ્દેતી યુવક મહોત્સવનો પ્રારંભ કરવો પડ્યો હતો. સંભવત: પ્રથમ વખત એવું બન્યું હશે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટેની તારીખ આપ્યા બાદ છેલ્લી ઘડીએ શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા ન હોય. શિક્ષણમંત્રીના આગમનને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન્ટ્રી ગેટથી શરૂ થતાં રસ્તા ઉપર ખાડા હોવાથી ગઈકાલે તાત્કાલિક જેમતેમ બૂરી દેવામાં આવ્યા હતા. યુવક મહોત્સવનો પ્રારંભ કરાવતા કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયાએ વિદ્યાર્થી ભાઈઓને વિદ્યાર્થી બહેનોનું સન્માન જાળવવા સલાહ આપી હતી. તેઓએ એવી પણ ટકોર કરી કે, કોઈ એવું કામ ન કરતા કે જેથી આપણું માથું શરમથી ઝૂકી જાય. આ સાથે જ કેમ્પસમાં સરીસૃપ પ્રાણીઓથી બચીને રહેવાની, કમ ખાઓ ગમ ખાઓની સલાહ મારફત વિરોધીઓને ટાર્ગેટ કર્યા હતા.
ડો. ડોડિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ઉદેતી યુવક મહોત્સવમાં 33 જેટલી સ્પર્ધાઓમાં 1803થી વધુ સ્પર્ધક ભાગ લઈ રહ્યા છે. 3 દિવસનાં યુવક મહોત્સવમાં કમ ખાઓ, ગમ ખાઓની સલાહ આપી હતી. અહીં કેમ્પસ ઉપર ફરતા સાપ જેવા સરીસૃપ પ્રાણીઓથી બચીને રહેવું. અહીં લગભગ તમામ જગ્યાએ CCTV કેમેરા છે. જેને ધ્યાનમાં રાખી શિસ્તમાં રહેજો. વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓનુ સન્માન જાળવવા અને તેમનું ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું. સાથે જ ટકોર તરીકે કોઈ એવી ઘટના ન ઘટે કે આપણું માથું શરમથી ઝૂકી જાય.