મુંબઈએ 2023-24 રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. મુંબઈએ ફાઈનલ મેચમાં વિદર્ભને 169 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. મુંબઈનું આ 42મું રણજી ટાઈટલ છે. 8 વર્ષની રાહ જોયા બાદ ટીમ ચેમ્પિયન બની છે. મુંબઈએ છેલ્લે 2015-16ની સિઝનમાં ટાઈટલ જીત્યું હતું. છેલ્લા દિવસે 538 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમ બીજા દાવમાં માત્ર 368 રન જ બનાવી શકી હતી.
ગુરુવારે વાનખેડે મેદાન પર વિદર્ભે બીજા સેશનમાં તેની છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી હતી. લંચ સુધી ટીમનો સ્કોર 333/5 હતો. અક્ષય વાડકર 102 રન અને હર્ષ દુબે 65 રન બનાવીને આઉટ થયા હતા. બંને વચ્ચે 130 રનની ભાગીદારી થઈ હતી. આ બંને આઉટ થતાં જ ટીમ વિખેરાઈ ગઈ હતી. મુંબઈની પ્રથમ ઈનિંગમાં 136 રન બનાવનાર મુશીર ખાને 2 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ ફાઈનલ પસંદ કરવામાં આવ્યો હતો.
વિદર્ભની બીજી ઇનિંગમાં અક્ષય વાડકરે (102 રન) સદી ફટકારી હતી, જ્યારે હર્ષ દુબે (65 રન)એ અડધી સદી ફટકારી હતી. આ પહેલા કરુણ નાયરે 74 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી મુશીર ઉપરાંત તુષાર દેશપાંડેએ 2 અને તનુષ કોટિયનએ 4 વિકેટ ઝડપી હતી. શમ્સ મુલાની અને ધવલ કુલકર્ણીને એક-એક વિકેટ મળી હતી.