સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક નાણાકીય વર્ષમાં વીજ ચેકિંગની કામગીરી દરમિયાન આશરે રૂ. 271.01 કરોડની પાવરચોરી પકડી પાડવામાં આવી હતી. એપ્રિલ-2024થી માર્ચ-2025 દરમિયાન કુલ 4,74,347 વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ 63,198 વીજ જોડાણોમાં વીજચોરીના બિલો ફટકારવામાં આવ્યા જેની અંદાજિત રકમ રૂ. 271.01 કરોડ છે. વીજચોરીમાં પકડાયેલા ગ્રાહકો/બિનગ્રાહકો સામે વીજકંપનીના પોલીસ સ્ટેશન દ્વારા વીજચોરીનો ગુનો દાખલ કરી વીજચોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
પીજીવીસીએલનાં વિજિલન્સ વિભાગ તથા સબ ડિવિઝન / ડિવિઝનના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા વીજચોરી ડામવા માટે સતત ચેકિંગ કરવામાં આવ્યું. ખાસ કરીને વીજચોરીમાં ડાયરેક્ટ લંગર નાખીને, વાયરથી મીટર બાયપાસ કરીને, મીટરના સીલ સાથે ચેડાં કરીને, હેતુફેર કરીને, લોડ વધારો લઈને, સર્વિસ વાયર સાથે ચેડાં કરવા વગેરે પ્રકારની ગેરરીતિ વધુ પ્રમાણમાં જોવા મળી હતી. 5 વીજગ્રાહકોને વીજચોરી બદલ 1 કરોડથી વધુનો દંડ ફટકારાયો હતો.