જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને જૂની અદાવતમાં ગોંડલ દરવાજા વિસ્તારમાં બે મહિલા સહિત 6 સાથે માથાકૂટ થઇ હતી જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી અને બાદમાં તે પોતે જ સારવાર લઈને ચાલ્યો ગયો હતો, અને આજે તેની તબીયત લથડતાં 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું આથી માથાકૂટનો બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આ બનાવમાં બે મહિલા સહિત છ શખ્સ સામે ફરીયાદ નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
સામાકાંઠા વિસ્તારમાં રહેતો સાજીદ હાજીભાઇ શેખને જૂની અદાવતમાં માથાકૂટ થઇ હતી. જેમાં તેને હાથ પગ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેમાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં તે પ્રાથમિક સારવાર લીધા બાદ પોલીસ તેનું નિવેદન નોંધવા આવે તે પૂર્વે તે હોસ્પિટલેથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ આજે સોમવારે સમીર નામનો યુવાન તેને 108માં સિવિલમાં લાવ્યો ત્યારે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
સીટી પોલીસે સાજીદના પિતાની ફરિયાદ પરથી સુનિલ કટારીયા તેની પત્ની શર્મિલા, કરશનભાઈ કટારીયા તેમની પત્ની જયાબેન, મુકેશ કટારીયા અને ધવલ દેગડા વિરુદ્ધ 5 કરતા વધારે વ્યક્તિઓએ ગેરકાયદે મંડળી રચી હુમલો કરી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધી હતી. આરોપી સુનીલ કટારીયા પર 1 વર્ષ પહેલાં તલવાર વડે હુમલો કર્યાની પોલીસ ફરીયાદ થઇ હતી. અને હજુ 5 મહિના પૂર્વે જ મૃતકની પાસા હેઠળ અટકાયત કરી હતી.