ગાંધીનગર સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ચેરમેને નાણાકીય વર્ષ 2024 માટે દેશના 7.3%ના આર્થિક વૃદ્ધિદરના અંદાજને ખૂબ જ સકારાત્મક ગણાવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે એકંદરે આર્થિક માહોલ ખૂબ જ પ્રોત્સાહક જણાઇ રહ્યો છે. ગત સપ્તાહે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે નાણાકીય વર્ષ 2024 માટે 7.3%ના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કર્યું છે.
આર્થિક વૃદ્ધિદર અગાઉના તમામ અંદાજ કરતાં વધુ છે જેમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે આર્થિક વૃદ્ધિદર 6.5% કરતાં પણ ઓછો રહેશે. ગત મહિને, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ પણ દેશના આર્થિક વૃદ્ધિદરના અંદાજને અગાઉના 6.5%થી વધારીને 7% કર્યું હતું અને નવા અંદાજને સકારાત્મક ગણાવ્યું હતું.
આગામી સામાન્ય બજેટને લઇને તેમની અપેક્ષાઓ અંગે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે આ વખતના અંદાજપત્રમાં આપણે મહત્વપૂર્ણ પોલિસીને લગતા નિર્ણયો જોવા મળે તેવી અપેક્ષા રાખી શકીએ નહીં. નાણાકીય વર્ષ 2024માં ખાસ કરીને રોકાણમાં મજબૂત વૃદ્ધિ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપરાંત બાંધકામ અને કેટલાક સેવા ક્ષેત્રોના ઉત્કૃષ્ટ દેખાવને કારણે દેશમાં 7.3%નો આર્થિક વૃદ્ધિદર જોવા મળશે. નાણાકીય વર્ષ 2023માં 7.2%નો આર્થિક વૃદ્ધિદર નોંધાવ્યા બાદ નાણાકીય વર્ષ 2024માં પણ ભારત ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવતા વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે.