અમેરિકામાં વધતી ગુનાખોરી વચ્ચે વધુ એક સંકટ જોવા મળી રહ્યું છે. અમેરિકાનો પોલીસ વિભાગ સ્ટાફની અછત સામે ઝઝૂમી રહ્યો છે. ગત વર્ષની તુલનામાં પોલીસકર્મીઓની સ્વૈચ્છિક સેવાનિવૃત્તિમાં 50% અને રાજીનામાંમાં 20%નો વધારો થયો છે. કોરોના બાદ અમેરિકામાં ચાલેલા રાજીનામાં અભિયાનમાં હજારોની સંખ્યામાં પોલીસકર્મીઓએ રાજીનામાં આપ્યાં છે.
વાસ્તવમાં, ઓછા વેતનને કારણે અહીં પોલીસકર્મીઓ નોકરી છોડી રહ્યા છે. જેમ-જેમ પોલીસકર્મીઓની સંખ્યા ઘટી રહી છે તેમ તેમ ગુનાઓ પણ વધી રહ્યા છે. વિભાગ પાસે જાસૂસોની પણ અછત છે. 2019માં 234ની તુલનામાં માત્ર 134 જાસૂસ છે. સ્ટાફની અછત સામે ઝઝૂમી રહેલો અમેરિકાનો પોલીસ વિભાગ લોકોને રિક્રૂટ કરવા માટે કોર્પોરેટ કંપનીઓની માફક અનેક ઓફર આપી રહ્યો છે. અનેક રાજ્યો એવાં છે જ્યાં લોકોને બે વર્ષ માટે નોકરી માટે રિક્રૂટ કરવામાં આવ્યા છે અને તેઓને બોનસ પણ અપાઇ રહ્યું છે. એટલાન્ટા પોલીસ વિભાગે પોલીસકર્મીઓને નિયુક્ત કરવા તેમજ બીજા શહેરોમાં સારી વેતનની નોકરીઓ માટે વર્તમાન નોકરીને છોડીને જતા અધિકારીઓને રોકવા માટે 235 મિલિયન ડોલરના બજેટની માંગ કરી છે.
ફિનિક્સ શહેરે પોતાના પોલીસ વિભાગ માટે એક નવા પગારધોરણને મંજૂરી આપી છે. જ્યારે, સ્ટાફની અછતને કારણે અમેરિકાનાં અનેક રાજ્યોમાં હત્યાની ઘટનાઓની ટકાવારી 40% સુધી પહોંચી છે. જ્યારે હત્યાના કુલ આંકડાઓમાં 30%ની વૃદ્વિ થઇ છે. હત્યાના આંકડાઓ 15,897 રાજ્ય, કાઉન્ટી, શહેર, યુનિવર્સિટી અને કોલેજના રિપોર્ટ પર આધારિત છે.
અમેરિકાનાં અનેક શહેરોમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ડેનવરમાં હત્યા દર વર્ષ 2015થી બેગણો વધ્યો છે. તે ઉપરાંત, કુલ હત્યાઓમાંથી 13% ઘટનાઓ તો માત્ર ફિલાડેલ્ફિયાની છે. વર્જિનિયામાં હત્યાનો દર 2011 અને 2021ની વચ્ચે બે ગણો વધ્યો છે. પોર્ટલેન્ડનો હત્યા દર 2019 બાદથી 207% વધ્યો છે. અશ્વેત, એશિયન અને દક્ષિણ એશિયાના લોકો પર અત્યાર સુધી સૌથી વધુ હુમલા નોંધાયા છે.