બુધવાર, 23 નવેમ્બરે કારતક મહિનાની અમાસ છે. આ દિવસે કારતક મહિનો પૂર્ણ થશે અને 24 તારીખથી માગશર શરૂ થશે. કારતક મહિનાની અમાસને પર્વ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે પૂજા-પાઠ, ધૂપ-ધ્યાન અને તીર્થ દર્શન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બુધવારે અમાસ હોવાથી આ દિવસે ગણેશ પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે. સાથે જ, આ દિવસે બુધ ગ્રહ માટે પણ પૂજા કરવી જોઈએ.
અમાસના દિવસે બપોરે લગભગ 12 કલાકે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. તેના માટે ગોબરના છાણા પ્રગટાવો અને જ્યારે ધુમાડો બંધ થાય ત્યારે છાણા ઉપર ગોળ-ઘી રાખીને ધૂપ આપો. ધૂપ આપતી સમયે પિતૃઓનું ધ્યાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન દાન કરો. પિતૃઓ માટે ધન, અનાજ અને ગરમ કપડાનું દાન પણ કરો.
અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને તીર્થ દર્શન કરવાની પરંપરા છે. જો આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. સ્નાન કરતી સમયે બધી જ નદીઓના તીર્થનું ધ્યાન કરવું જોઈએ. આવું કરવાથી પણ તીર્થ સ્નાન સમાન પુણ્ય ફળ મળી શકે છે.