હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી ને સેશન કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો કર્યો હતો. આ દરમિયાન તેલંગાણા હાઇકોર્ટમાંથી એક્ટરને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર-માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે હાઇકોર્ટમાં પોતાના વિરુદ્ધ થયેલા કેસને રદ કરવા માટે અરજી કરી હતી.
કોર્ટે ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હાઈકોર્ટે અલ્લુ અર્જુનના ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ઉપરાંત, એક્ટરને રૂ. 50,000ના બોન્ડ ભરવાનો નિર્દેશ કર્યો છે. તેલંગાણા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપીને તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેના જીવન અને સ્વતંત્રતાના અધિકારની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેને આ મૂળભૂત અધિકારોથી વંચિત કરી શકાય નહીં.