રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજીલ (C-Vigil) એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ 223 જેટલી ફરિયાદો આવી છે. જેમાંથી કુલ 6 ફરિયાદો ખોટી હોવાથી ડ્રોપ કરીને કુલ 217 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે.
આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ સી-વિજીલ એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે કન્ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્ક્વોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ 100 મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અત્યારસુધીમાં આવેલી ફરિયાદો સરેરાશ સાત મિનિટ જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવી છે.