શેખ હસીનાના રાજીનામા બાદ આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાશે. આ 15 સભ્યોની સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ કરશે. સરકારનો શપથ ગ્રહણ સમારોહ રાત્રે 8:30 કલાકે થશે.
યુનુસ આજે બપોરે 2.40 કલાકે પેરિસથી બાંગ્લાદેશ પહોંચશે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 400 લોકો ભાગ લેશે. બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-રહેમાને બુધવારે શપથ ગ્રહણ સંબંધિત માહિતી શેર કરી હતી.
બીજી તરફ, બુધવારે (7 ઓગસ્ટ) ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક ઘૂસણખોરી કરી રહેલા લગભગ 500 બાંગ્લાદેશીઓને જલપાઈગુડી નજીક BSF જવાનોએ રોક્યા હતા. નોર્થ બંગાળ ફ્રન્ટિયરના જણાવ્યા અનુસાર, આ લોકો બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓના હુમલાના ડરથી એકઠા થયા હતા.
BSF અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશે આ લોકો સાથે વાત કરી, ત્યારબાદ તેઓ બધા પાછા ફર્યા. બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF હાઈ એલર્ટ પર છે.