વિસનગર શહેરની પંચશીલ રેસીડેન્સીમાં રહેતા યુવકે વલસાડની યુવતી સાથે રૂ.5 લાખ આપી લગ્ન કર્યાના 21 દિવસ બાદ તેનાં પિયરિયાં આવીને લઇ ગયા હતા. યુવકે તેની પત્નીને મોકલવા ફોન કરતાં સામેથી ધમકી અપાતાં યુવકે શહેર પોલીસ મથકે લુટેરી દુલ્હન સહિત 4 શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ચેતનભાઇ મારફતે લગ્ન કરાવવાની વાત કરી હતી
વડનગર તાલુકાના પીંપળદર ગામના અને હાલ વિસનગરની પંચશીલ રેસીડેન્સી સોસાયટીમાં રહેતા મિતેશભાઇ કનુભાઇ પટેલ અપરિણીત હોઇ તેમના બનેવી જયેશભાઇની ઓફિસે આવતા પટેલ રજનીભાઇએ તેમના મિત્ર રાવળ ચેતનભાઇ મારફતે લગ્ન કરાવવાની વાત કરી હતી. ગત 15 એપ્રિલે મિતેશભાઇ, રજનીભાઇ અને ચેતનભાઇ રાવળ સાથે વલસાડ ખાતે રામાણી હિતેશભાઇ વિમલેશભાઇના ઘરે ગયા હતા. જ્યાં હાજર સ્ત્રીને તેમના માસી હોવાનું જણાવી એક યુવતી બતાવી હતી, જેનું નામ નયનાબેન ગુરૂરાજભાઇ પટેલ હોવાનું કહ્યું હતું.
લગ્ન કરવા રૂ.5 લાખ આપવાની વાત થઈ હતી
મિતેશભાઇને યુવતી પસંદ આવતાં હિતેશભાઇએ તેમના માસી એકલા હોઇ તેમજ તેમની સેવાચાકરી નયના કરતી હોવાથી તમારે લગ્ન કરવા હોય તો રૂ.5 લાખ આપવા પડશે તેમ જણાવતાં મિતેશભાઇએ તે દિવસે રૂ.50 હજાર આપ્યા હતા. જ્યારે આ લોકો 18 એપ્રિલ, 2022ના રોજ વિસનગર આવી સગાઇ નક્કી કરતાં રૂ.1.50 લાખ અને 22 એપ્રિલના રોજ લગ્નવિધિ બાદ બાકીના રૂ.3 લાખ આપ્યા હતા. દરમિયાન, 13 મેના રોજ મિતેશભાઇ અને તેમના બનેવી ફેક્ટરીએ ગયા હતા.