વોટ ઓન એકાઉન્ટ છતાં કોઇ જ મોટી જાહેરાતો ન થતા ભારતીય શેરમાર્કેટમાં નિરાશા જોવા મળી હતી. વ્યક્તિઓ અને કોર્પોરેટ માટે આવકવેરાના દરો તેમજ કસ્ટમ ડ્યુટીમાં કોઈ ફેરફારની દરખાસ્ત કરી નથી. આ ઉપરાંત સાપ્તાહિક એક્સપાયરીના કારણે પ્રોફિટબુક જોવા મળ્યું હતું. સેન્સેક્સ 106.81 પોઈન્ટ 71645.30 બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે 72,151.02 ની ઊંચી અને 71,574.89 ની નીચી સપાટી રહી હતી. નિફ્ટી 28.25 પોઈન્ટ ઘટીને 21,697.45 રહ્યો હતો. માર્કેટકેપ 379.42 લાખ કરોડ રહી હતી જ્યારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધી 82.96 બંધ રહ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વે માર્ચમાં વ્યાજદરમાં ઘટાડો નહીં કરવાનો સંકેત આપ્યા બાદ બજારનું સેન્ટિમેન્ટ પણ ડહોળાયું હતું. સેન્સેક્સ પેકમાં લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, વિપ્રો, ઘટ્યાં હતા. મિડકેપ ઇન્ડેક્સ 0.40 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.22 ટકા ઘટ્યો હતો.
છેલ્લા 6 બજેટ દિવસોમાં રોકાણકારોને 4 વખત પોઝિટિવ રિટર્ન
સેન્સેક્સે છેલ્લા છ વર્ષમાં બજેટના દિવસે ચાર વખત રોકાણકારોને હકારાત્મક વળતર આપ્યું છે. 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ ગયા વર્ષના બજેટ દિવસથી અત્યાર સુધીમાં 20 ટકાનો વધારો થયો છે. અહેવાલ મુજબ, 2023, 2022, 2021 અને 2019માં બજેટના દિવસોમાં BSE બેલવેધર ઇન્ડેક્સ સકારાત્મક રહ્યો હતો. અગાઉ 1 ફેબ્રુઆરી, 2020ના રોજ સેન્સેક્સ 987.96 પોઇન્ટ ઘટ્યો હતો.
પેટીએમના શેર 20% તૂટ્યા, નીચલી સર્કિટ લાગી
આરબીઆઇએ Paytm પેમેન્ટ્સ બેંક લિ.ને 29 ફેબ્રુ. પછી ગ્રાહકોના ખાતા, વોલેટ્સ, ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપ-અપ્સ ન સ્વીકારવાની સૂચના આપવામાં આવી હતી. Paytm ની પેરેન્ટ કંપની One97 કોમ્યુ.ના શેરમાં 20% નો ઘટાડા સાથે નીચલી સર્કિટ પર લાગી હતી અને શેરમાં ટ્રેડિંગ દિવસ માટે બંધ થઈ ગયું.