રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ઘટના બાદ ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ આ કેસમાં વ્યાજની લેતી દેતીમાં હત્યા થયાનું ચર્ચાઈ રહ્યું હતું પરંતુ પોલીસ તપાસ દરમિયાન વ્યાજની રકમ નહિ પરંતુ મોટર કારની લે વેચ બાદ બાકી રહેતી રૂપિયા 90,000ની રકમની ઉઘરાણી મામલે બોલચાલી થતા રોષે ભરાયેલ આરોપીઓએ રેકી કરી મૃતકને ઘરેથી બહાર નીકળતા સાથે જ વાહન અથડાવી તેનું અપહરણ કરી આરોપીની વાડીએ લઇ જઈ માર મારી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ મૃતકની પત્ની પાસેથી પણ ખંડણી રૂપે 20,000 પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડી ટેક્નિકલ પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે..
બનાવ અંગે જસદણના કાળાસર ગામે રહેતા ધર્મેશભાઈ ધીરૂભાઈ મકવાણા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલ્લુ અમરૂ જબલીયા, અજય મંગળું ભોજક અને સિધ્ધરાજ અલ્લુ ગીડાનું નામ આપતાં આટકોટ પોલીસે હત્યા, અપહરણ, ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપી આલ્કુ જેબલીયા, અજય ભોજક, અને સિધ્ધરાજ ગીડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકે તેના ભાઈને ફોન કરી 20,000 રૂપિયાની માંગણી કરી હતી ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે અને પોતે બે ભાઈઓ છે જેમા તેઓ મોટા અને નાનો ભાઈ લાલજીભાઈ (ઉ.વ.28) છે જેના લગ્ન શિવરાજપુર ગામના ધીરૂભાઈ સાપરાની દિકરી સાથે સાત વર્ષ પહેલા થયેલ છે. તેને સંતાનમાં એક પાંચ વર્ષનો દિકરો છે. પોતે હાલ ફુલઝર ગામે રહે છે અને નાનો ભાઈ લાલજી છેલ્લા એક મહીનાથી જસદણ-ચોટીલા રોડ પર શ્રી હરી સોસાયટીમાં રહે છે. ગઇ તા.29.08.2025ના રોજ ફરીયાદી ફુલઝર ગામે હતો ત્યારે તેમના નાનાભાઈ લાલજીનો ફોન આવ્યો હતો અને 20,000 રૂપીયા માંગણી કરી હતી પરંતુ તેમની પાસે રૂપિયા ન હોવાથી ના પાડી હતી.