જળ પરિવહન ક્ષેત્રે માલવાહક અને મુસાફર (ક્રુઝ) જહાજ એમ બે પ્રકારના શિપ ઉપયોગમાં આવતા હોય છે. વર્ષ 2022ના પ્રથમ 11 માસ દરમિયાન સમગ્ર વિશ્વમાંથી કુલ 15 ક્રુઝ જહાજોએ પોતાની અંતિમ સફર ખેડી છે. અને તે પૈકી 25.50% ક્રુઝ જહાજ અલંગમાં આવ્યા છે, જ્યારે 55% ક્રુઝ ફક્ત તૂર્કિમાં ભંગાણાર્થે ગયા છે. પાકિસ્તાનના ફાળે 4 શિપ ગયા હતા.માલવાહક જહાજોની સરખામણીએ ક્રુઝ જહાજ પોતાની વૈભવી સવલતોને કારણે દરેક વર્ગના લોકોને આકર્ષે છે. આવા પ્રકારના જહાજમાં ફર્નિચર, રાચ-રચીલું, ક્રોકરી, ગેમ્સ, જીમ સહિતની અનેક વૈભવી ચીજ વસ્તુઓ જહાજમાં સામેલ હોય છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ગત સપ્તાહે એક સાથે બે સિસ્ટર ક્રુઝ જહાજ ભાંગવા માટે આવી પહોંચ્યા છે. પ્લોટ નં.61માં સુપરસ્ટાર એક્વારીસ (એક્વા), પ્લોટ નં.11માં સુપરસ્ટાર જેમિની (જેમ) દ્વારા ખરીદવામાં આવ્યા છે.વર્ષ 2022માં સમગ્ર વિશ્વમાંથી કુલ 15 જહાજ અત્યારસુધીમાં ભંગાણાર્થે મોકલવામાં આવ્યા છે. તે પૈકી અલંગમાં 4, પાકિસ્તાનમાં 4, તૂર્કિમાં 7 જહાજ ગયા છે. જ્યારે બાંગ્લાદેશના શિપબ્રેકરો ક્રુઝ જહાજ ભાંગવા માટે તત્પરતા દાખવી નથી.
ક્રુઝ જહાજો ભાંગવાની બાબતમાં અલંગનું સૌથી નજીકનું હરિફ તૂર્કિ છે. વર્ષ 2019માં સમગ્ર વિશ્વમાં માત્ર 1 ક્રુઝ શિપ અંતિમ સફરે પહોંચ્યુ હતુ. 2020માં 9, 2021માં 11 અને વર્ષ 2022માં રેકોર્ડબ્રેક 15 ક્રુઝ જહાજ અંતિમ સફરે મોકલવામાં આવ્યા છે.વર્ષ 2022માં ભાંગવા માટે વેચવામાં આવેલા 15 ક્રુઝ જહાજોની સરેરાશ આયુષ્ય 38 વર્ષ હતી. જ્યારે વર્ષ 2017થી 2019 દરમિયાન વેચવામાં આવેલા ક્રુઝ શિપની સરેરાશ આયુષ્ય 43 વર્ષ હતી.