શહેરમાં વધી રહેલી ગુંડાગીરીને નાથવા પોલીસ રાત્રિના વેપારીઓ અને શહેરીજનો સામે દંડા ઉગામી રહી છે, પરંતુ માથાભારે શખ્સો સામે પોલીસ ઘટના બની ગયા પછી જ પહોંચે છે. થોરાળામાં કેટલાક દિવસથી બે જૂથ વચ્ચે ચાલતી તકરાર સાંજે ઉગ્ર બની હતી અને બંને જૂથે સામસામે પથ્થર અને સોડા-બોટલના ઘા ઝીંકતા નાસભાગ મચી ગઇ હતી. આ બઘડાટીમાં બને જૂથના એક એક વ્યક્તિને ઇજા થઇ હતી જેમાં એકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં નવા થોરાળા શેરી નં.2, સ્વામિનારાયણ સ્કૂલ પાસે રાઠોડ અને ઓડિયા જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને બંને જૂથે એકબીજા પર પથ્થર અને સોડા-બોટલના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. સાંજે 4.30 વાગ્યે બનેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી અને થોડીવાર માટે માહોલ તંગ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડા સ્થળ પર દોડી ગયા હતા.હુમલામાં ઘવાયેલા ન્યૂ થોરાળા વિસ્તારના રોહિત મનજીભાઇ રાઠોડ (ઉ.વ.26) અને સામા જૂથના નયન દાફડા (ઉ.વ.22)ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રોહિતની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
શેરીમાંથી વાહન લઇને નીકળવા બાબતે બોલાચાલી થતાં મામલો તંગ થયાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભોગ બનનાર પક્ષે જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, રાઠોડ જૂથ પર થયેલા હુમલામાં બોદુ ઓડિયા અને તેના મળતિયાઓના નામ પ્રાથમિક તપાસમાં ખૂલી રહ્યા છે. બોદુ ઓડિયાની સાથે હુમલામાં રાઠોડ જૂથના કેટલાક લોકો પણ સંડોવાયા છે. રાઠોડ જૂથ સાથે અગાઉ રહેલા કેટલાક શખ્સો કેટલાક સમયથી ઓડિયા જૂથ સાથે ઘરોબો રાખવા માંડ્યા હતા અને તે કારણે બંને જૂથ વચ્ચે કેટલાક દિવસથી માથાકૂટ ચાલતી હતી અને તે કારણે આજે બંને જૂથ સામસામે આવી ગયા હતા.