બેરોજગારને નોકરી, વેપારીઓને GST રિફંડ, વીજળી બિલ માફ આવી જેવી જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કરી રહ્યા છે. 15 દિવસમાં જ કેજરીવાલ 5 વખત સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા અને એમાંય બે વખત તો રાજકોટ આવ્યા હતા તેમજ સૌરાષ્ટ્રના ચૂંટણીના એપી સેન્ટર તરીકે ઓળખાતા રાજકોટમાં આવી જાહેરાત કરી રહ્યા છે. એને લઈ ભાજપને ભીંસ પડી હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે, આથી ભાજપ ટિકિટની પોલિસીમાં વય મર્યાદા અને ‘નો રિપીટ’નાં નીતિ-નિયમો બનાવ્યા છે, એને જ નેવે મૂકે તો નવાઈ નહીં.
પાતળી સરસાઈવાળી બેઠકો પર ભાજપે કમર કસવી પડશે
એક તરફ ખુદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં ફરી રહ્યા છે. ત્યારે તેના દરેક કાર્યક્રમ સફળતાપૂર્વક પાર થઈ રહ્યા છે. કેજરીવાલે 15 દિવસમાં બે વખત રાજકોટ, એક વખત વેરાવળ, એક વખત ગીર સોમનાથ અને એક વખત જામનગરના પ્રવાસે આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસે ધાર્યા કરતાં આપના કાર્યક્રમમાં મેદની એકઠી થાય છે અને કેજરીવાલને લોકો પ્રતિસાદ આપી રહ્યા છે. ત્યારે પાતળી બહુમતીથી સૌરાષ્ટ્રમાં જ્યાં ભાજપ જીત્યું હતું ત્યાં ભાજપે ફરી કમર કસવી પડશે એવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આવી સીટો અંકે કરવા ભાજપે પોતાના નીતિ-નિયમો નેવે મૂકીને મજબૂત ઉમેદવારોને ટિકિટ આપવી જ પડશે એવું સૂત્રો કહી રહ્યાં છે.