વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા દિલ્હીની ટીમ 18 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં મુંબઈએ 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
મુંબઈ તરફથી હેલી મેથ્યુઝ, સાઇકા ઈશાક અને ઈસાબેલ વોંગે 3-3 વિકેટ લીધી હતી. મેથ્યુઝે બીજી ઈનિંગમાં પણ 32 રન બનાવ્યા હતા. તેમણે ઓપનર યાસ્તિકા ભાટિયા સાથે 65 રનની પાર્ટનરશીપ કરી હતી. આ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેમને સતત બીજી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
પાવરપ્લેમાં ઓપનર્સ આક્રામક બન્યા
106 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓપનર યાસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યુઝે મુંબઈને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેની 6 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 47 રન ફટકાર્યા હતા.પહેલી 3 ઓવરમાં મેથ્યુઝ અને પછીની ઓવરોમાં યાસ્તિકાએ આક્રમક બેટિંગ કરી હતી.