જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામે આવેલ મકાનમાં બહારથી માણસો બોલાવી ચલાવાતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી હતી અને જુગાર રમતા 6 શખ્સને રૂ.84,200 ની રોકડ સાથે ધરપકડ કરી હતી. જ્યારે 2 શખ્સ ફરાર થઈ જતા પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જસદણ પોલીસ મથકના પો.કોન્સ. અશોક ભોજાણી અને અનીલ સરવૈયાને બાતમી મળી હતી કે, જસદણના ખાંડા હડમતીયા ગામમાં રહેતો ભરત લીંબાભાઈ શેખ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી તેને જુગારના સાધનો તેમજ સુવિધા પુરા પાડી જુગારનો અખાડો ચલાવે છે.
જેથી બાતમીના આધારે જસદણ પોલીસે દરોડો કરતા સુરેશ વાઘા બાવળીયા(રહે ધારૈયા, તા ચોટીલા), ભોળા જેરામ સાકળીયા(રહે પારેવાળા , તા જસદણ), નરેશ શંકર હરણીયા(રહે સનાળી તા વિંછીયા), ભરત શીવા તલસાણીયા(રહે સનાળી, તા વિંછીયા), અલ્પેશ દેવરાજ કાકડીયા(રહે માધવીપુર, તા જસદણ) તથા મહેશ બેચર પરમાર(રહે સણોસરા, તા ચોટીલા) ને પકડી પાડી રૂ. 84,200 ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મકાન માલિક ભરત લીંબા શેખ(રહે ખાંડા હડમતીયા, તા જસદણ) અને જેઠા રામશી શાંબળ(રહે ખાંડા હડમતીયા, તા જસદણ) નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.